પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: સુરત શહેર અને સુડાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું આજે રાજયના મુખ્યમંત્રી વિજય (Vijay Rupani) રૂપાણીએ ઇ-લોકાર્પાણ કર્યું હતું. જેમાં સૌની નજર કેનાલ કોરિડોર (Surat Canal Corridor) પર હતી. સમગ્ર ગુજરાત રાજયમાં આ પહેલો પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટ રોડ પરથી પસાર થતી કેનાલ પર બનાવવામાં આવ્યો છે. 51 કરોડથી પણ વધુની રકમથી તૈયાર થયેલા આ પ્રોજેકટની અનેક વિશેષતાઓ છે. જોકે ભારત દેશમાં પણ આવો પ્રોજેકટ અત્યાર સુધીમાં સાકાર થયો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે 201 કરોડથી વધુના પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાથી ખાસ પ્રોજેકટ હતો કેનાલ કોરીડોર. સમગ્ર ભારત દેશમાં આ પ્રકારનો કોરિડોર પહેલો હોઇ શકે છે. પરંતુ ગુજરાતનો આ પ્રથમ પ્રોજેકટ છે. 3 કિ.મી. લાંબા આ પ્રોજેકટની અનેક વિશેષતાઓ છે. જેમકે એક લાખથી વધારે ફૂલ છોડ, સ્ટાઈલિશ એન્ટ્રીગેટ, બેસવા માટે માર્બલમાંથી તૈયાર કરાયેલી 200થી વધારે બેંચ, વિદેશમાં હોય તેવા 200થી વધારે રંગબેરંગી સ્ટ્રીટ લેમ્પથી આ કેનાલ કોરિડોરને સજાવવામાં આાવ્યો છે.
મનને તાજગી સાથે પ્રફુલ્લિત થાય તે માટે 2 રંગના માર્બલ અને ગ્રેનાઈટમાંથી વોક-વે તૈયાર કરવામાં આવ્યો છે. સુરતમાં હરવા ફરવા માટેની જગ્યાઓ ઓછી છે, એક જ જગ્યા પર નાના-મોટા મળીને ફન, મસ્તી અને ફૂડની મજા માણી શકે તે માટે આ ફન સ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં ખાસ કરીને પ્લેઇંગ એરિયા, સિનિયર સીટિઝન પાર્ક , સ્કેટિંગ રિંગ જેવી સગવડતા પણ ખાસ મૂકવામાં આવી છે.
પ્રોજેકટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક બાળકનું મોત: આ પ્રોજેકટ પર કોરોના પહેલા ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હતું. દોઢ વર્ષ પહેલા કેનાલ કોરિડોરનો મુખ્ય આકર્ષિત ગેટ અચનાક કામ ચાલુ હતું ત્યારે ધરાશાયી થઇ ગયો હતો. જેમાં નીચે ઊંઘેલી એક બાળકીનું મોત થયું હતું. જયારે અન્ય મજૂરોને ઇજા પહોંચી હતી.