કિર્તેશ પટેલ, સુરત : ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા તેર દિવસોથી વિરોધ પ્રદર્શનો કરા રહ્યા છે. જેમાં આજે ભારત બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યું હતું તેને સુરતના ઉધના વિસ્તારમાં વરાછા માનગઢ ચોક અને સુરત એપીએમસી માર્કેટ ખાતે કૉંગ્રેસ દ્વારા તેમજ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની તેમજ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
કૃષિ કાયદાને લઈને છેલ્લા 13 દિવસથી દેશભરમાં ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે જેમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ચાર રાજ્યોના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે પણ ટેકો જાહેર કર્યો હતો. સાથે જ ટેક્સ્ટાઇલ ટ્રાન્સપોર્ટ અને લેબરના ત્રણ યુનિયનોએ પણ ટેકો આપતા એક દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત બંધના એલાનના પગલે મોડી સાંજે પોલીસે શહેરની શાંતિ ન ડહોળાઈ તે માટે 144ની કલમ લગાવી દીધી છે, આ ઉપરાંત સવારથી જ શહેરમાં ચક્કાજામને કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ભારત બંધને લઈ સિપી અજય તોમરે જણાવ્યું હતું કે, શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તેમજ અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.