કેતન પટેલ, બારડોલી: કોરોના (Gujarat Coronavirus)ના કપરા કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા લૉકડાઉન (Lockdown)માં મહુવા તાલુકાના ડુંગરી ગામ (Dungari village)ના યુવાનોએ નવરાશના સમયનો સદુપયોગ કરી ગામમાં ગાર્ડન (Garden) તૈયાર કર્યું છે. વેસ્ટનો ઉપયોગ કરી નહેરના કિનારે પ્રકૃતિના ખોળે રમણીય ગાર્ડન તૈયાર કરાયું છે. આજે આ ગાર્ડન યુવાધન માટે સેલ્ફી લેવાનું એક સ્થળ (Selfie point) બની જવા પામ્યું છે. લોકો દૂરદૂરથી આ ગાર્ડનને નિહાળવા આવવા લાગ્યા છે.
સુરત જિલ્લાના છેવાડે આવેલ તાલુકો એટલે મહુવા. આ તાલુકામાં સરકારે લોકો માટે એકેય ગાર્ડન તૈયાર કર્યું નથી, ત્યારે મહુવા તાલુકાના ડુંગરી ગામના પાંચ યુવાનોને લૉકડાઉનના સમયમાં ગાર્ડન તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદમાં તેઓએ વેસ્ટ ભેગું કરી બેસ્ટ ગાર્ડન તૈયાર કર્યું છે. જેમાં પ્લાસ્ટિકની બોટલો, તરોફા, બલ્બ, ટાયર, સાયકલની રીંગ, પથ્થરો, નળીયા જેવી વસ્તુઓ એકત્ર કરી તેને કલર કરી અલગ અલગ ડિઝાઈનો થકી ડુંગરી ગામમાં જ એક સરસ ગાર્ડન તૈયાર કર્યું છે.
ડુંગરી ગામ પ્રકૃતિના ખોળે વસેલું છે. ગામની સુંદરતા વધારતું આ ગાર્ડન નહેરના કિનારે તૈયાર કરાયું છે. યુવાનો દ્વારા ગાર્ડનના ફોટાઓ મૂકી ઇન્સ્ટાગ્રામ પર એક પેજ તૈયાર કરાયું છે. જેને પગલે સુરત અને તાપી જિલ્લાના યુવાનોમાં આ ગાર્ડન સેલ્ફી લેવાના સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે. આજે દૂર દૂરથી લોકો ગાર્ડનની સુંદરતાને માણવા આવતા થયા છે.
યુવાનોએ ગાર્ડન તૈયાર કરી ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવ્યું ત્યારે ફોલોવર્સ દ્વારા લોકો પાસે સેલ્ફી માટે એક કિંમત લેવા પણ જણાવાયું છે. જેને પગલે યુવાનોએ ગાર્ડનમાં એક દાનપેટી મૂકી છે. જેમાં યુવાનો પોતાની મરજીથી જે દાન આપવી હોઈ તે આપી શકે છે. તેમજ દાનમાં એકત્ર થયેલી રકમને ડુંગરી તેમજ આજુબાજુના ગામના ગરીબ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગમાં લેવાનું પણ યુવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.