

કિર્તેશ પટેલ, સુરત : દાનવીર કર્ણની ભૂમિ સુરત (Surat City)માં ગમે તેવી મોટી આફત આવી પડી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. પૂર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સુરત ફરી પાછું બેઠું થઈ એજ રફ્તારથી દોડતું થયું છે. કોરોનાની વૈશ્વિક મહામારી (Corona Pandemic)એ જ્યારે સુરતમાં પગ જમાવ્યો છે, ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ (Plasma Donation) કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સુરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધી છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારો (Diamond Workers)એ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.


રકતદાન હોય કે અંગદાન હંમેશા પ્રથમ ક્રમે રહેલું સુરત હવે 514 વ્યક્તિઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવીને પોતાનું પ્લાઝમા દાન કરવામાં સુરતીઓએ લહેરીલાલાનો આગવો મિજાજ બતાવ્યો છે. કતારગામની ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કાર્યકર્તા જયેશભાઈ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતી સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની તાતી જરૂરીયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હૉસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો તા.30 મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 દિવસ હોમ આઈસોલેટ રહીને કોરોને મ્હાત આપી હતી અને 28 દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું.


પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડૉ. અંકિતાબેન શાહને વાત કરી કે, અમારી કંપનીમાં 80થી વધુ રત્ન કલાકારોના એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યા છે. પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 80 રત્નકલાકારો પૈકીના 66થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર ૪૧ રત્ન કલાકારોના પ્લાઝમાં કલેકટ કર્યા છે, જયારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.


કંપનીમાં કામ કરતા જયેશભાઈ મોણપરાએ કહ્યું કે, કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બૂઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા છે. પ્લાઝમા ડોનેટ કરનાર 38 વર્ષિય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલીકે મને પ્રેરીત કર્યો કે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યકિતમાં એન્ટીબોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે. જેથી મે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે.