

સુરત: સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામ (Piplod village)ની સીમમાં કીમ-માંડવી રોડ (Kim-Mandvi road) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખા ટ્રકે (Truck) અકસ્માત સર્જીને 15 લોકોનો ભોગ લીધો છે. મળતી માહિતી પ્રમાણે શેરડી ભરેલા ટ્રેક્ટર (Tracktor) સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 12 લોકોનાં ઘટનાસ્થળે અને ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે. એવી પણ માહિતી મળી રહી છે કે ટ્રક ચાલક દારૂના નશામાં હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનર પર ઈજાગ્રસ્ત થયો છે. આ બનાવમાં એક છ મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થવા પામ્યો છે.


સોમવારની રાત્રે કીમ-માંડવી રોડ પર કીમ ચાર રસ્તા નજીક બેકાબૂ બનેલા એક ટ્રકે રસ્તા પર ઊંઘી રહેલા લોકોને અટફેટે લીધા હતા. એટલું જ નહીં ટ્રક બેકાબૂ બનીને પાંચ દુકાનો પર પણ ફરી વળ્યો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.


આ ટ્રક કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ટ્રકની ટક્કર થઈ હતી.


ટક્કર બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રક ફૂટપાથ પર ચઢી ગયો હતો. આ દરમિયાન ફૂટપાથ પર 18થી વધારે લોકો ઊંઘી રહ્યા હતા. આ તમામ લોકો પર ટ્રક ફરી વળ્યો હતો.


ટ્રકે કચડી નાખતા નિંદ્રાધીન 18 લોકોમાંથી 12 લોકોનું ઘટના સ્થળે જ નિધન થયું હતું. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા છ શ્રમજીવીઓને સારવાર માટે સુરતની સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સ્મીમેર ખાતે સારવાર દરમિયાન એક શ્રમજીવીનું નિધન થયું હતું. આ રીતે આ બનાવમાં કુલ મૃત્યાંક 13 થયો છે. અકસ્માતમાં જે લોકો ઘાયલ છે તેમની હાલત પણ ગંભીર ગણાવવામાં આવી રહી છે.


અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરને પણ ઈજા પહોંચી છે. જેમની પણ હાલ સારવાર ચાલી રહી છે. સારવાર બાદ પોલીસ બંનેની પૂછપરછ કરશે. બનાવ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.


અકસ્માતમાં મોતને ભેટનાર તમામ લોકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોસંબા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાતથી જ અહીં તમામનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે.


કાળમુખા ટ્રકને કારણે જીવ ગુમાવનાર તમામ શ્રમજીવી લોકો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમિયાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.


આ ટ્રકે શ્રમજીવીઓને કચડ્યા બાદ તેણે ફૂટપાથની બાજુમાં આવેલી ચારથી પાંચ દુકાનનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો.