Ganesh Chturthi 2022: હેમંત ગામીત, તાપી : ગણેશ ચતુર્થીના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વ્યારાના બજારમાં અવનવી ગણેશજીની મૂર્તિઓ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે વ્યારાના બોરખડી ગામની સખી મંડળની બહેનોએ નાળિયેરીના રેસામાંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગણેશ ઉત્સવમાં સામાન્ય રીતે માટીથી ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે અને દરેક શહેરોમાં માટી તેમજ પીઓપીની મૂર્તિઓનું જ વેચાણ થતું હોય છે. ત્યારે રાજ્યનાં છેવાડાના એવા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારા તાલુકાની બોરખડી ગામની સખી મંડળની બહેનોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નાળિયેરીના રેસામાંથી અનોખી ગણેશની મૂર્તિઓ તૈયાર કરી છે. જે હાલ વ્યારા ખાતે વેચાણ અર્થે મુકવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર તેમજ દેશભરના અનેક રાજ્યો, શહેરો અને ગામડાઓમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. જેમાં મોટાભાગે ગણેશની પીઓપીની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેનું મોટાપાયે નદીઓ તેમજ અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. જેનાથી નદીઓ સહિત અન્ય જળાશયોનું ચોખ્ખું પાણી દુષિત થતું હોય છે. તેમજ જળચર પ્રાણીઓને પણ નુકસાન થતું હોય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના સખી મંડળોએ વર્ષ 2019માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતેથી નારિયેળના રેસામાંથી વિવિધ પ્રકારના ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાની તાલીમ લીધી હતી. જેના થકી વ્યારાના બોરખડી ગામની આદિવાસી બહેનો નારિયેળના રેસામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તેમજ સુશોભનની વિવિધ અવનવી વસ્તુઓ બનાવીને રોજગારી મેળવીને સખી મંડળ થકી મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ બની છે.