ભાવિન પટેલ, નવસારી: કોરોનાએ જીવનનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. કોરોનાને કારણે આજે લોકો ચિંતામાં છે કે હવે આગળ જિંદગી કઇ રીતે ચાલશે? આજકાલ માતા-પિતા અને વાલીઓને સૌથી વધુ ચિંતા એ છે કે તેમના સંતાનોના શિક્ષણ (Education)નું શું થશે? તેઓ કયારે પોતાના સંતાનોને શાળા-કોલેજોમાં મોકલી શકશે. આવી સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાની સરકારી શાળા (Government Schools)ના બાળકોએ ડીડી ગિરનાર, વંદે ગુજરાત, વર્ચ્યુલ શાળા (Virtual School) અંતર્ગત કોરોના કાળ વચ્ચે ઘરે રહી અભ્યાસની શરૂઆત કરી હતી. જેમાં વર્ચ્યુલ શાળા દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષા (Online Exam)માં ધોરણ 9-12નાં 48થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં અવ્વલ આવતા જિલ્લા શિક્ષણ અધિકારી આર.એમ.ચૌધરીએ રાજ્યભરમાં અવ્વલ આવેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્ય સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતા વર્ચ્યુલ શિક્ષણમાં ભણતા સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ નવસારી જિલ્લાનાં હોવાનું બહાર આવ્યું છે. કોરોના દરમિયાન બાળકોના વાલીઓને બીજી એક ચિંતા એ સતાવી રહી છે કે શાળા-કૉલેજો તેમનાં બાળકોને અભ્યાસ કરાવતી નથી તેમ છતાં તેઓ મોંઘી દાટ ફી વસૂલી રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણનું એક તૂત ચલાવવામાં આવી રહ્યું છે, જે ભારત જેવા દેશના માહોલને સુસંગત નથી.
એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે બાળકોને મોબાઇલ જેવાં ઇલેકટ્રોનિક ડિવાઇસથી દૂર રાખવાં જોઇએ અને બીજી બાજું શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફી ઉઘરાવવાના એક માત્ર હેતુથી ચલાવવામાં આવી રહેલા ઓનલાઇન શિક્ષણનાં તૂતને કારણે ગરીબ વાલીઓ અને માતા-પિતાને પણ દેવું કરીને પોતાનાં સંતાનોને મોબાઇલ અપાવવાં પડે છે. કોરોના પશ્ચાતના સમયમાં આ એક કરુણ વિડંબના છે. એક બાજુ ઓનલાઇન શિક્ષણના નામે ખાનગી શાળાઓ ફી મામલે મનમાની ચલાવી રહી છે, બીજી બાજુ નવસારી જિલ્લાના સરકારી શાળાના 48થી વધુ વિદ્યાર્થીઓ વર્ચ્યુલ અભ્યાસથી રાજ્યભરમાં અવ્વલ રહ્યા છે.