દિપક પટેલ, નર્મદાઃ ઓક્ટોબર, 2018ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની (Saradar Patel) વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ ગુજરાતનો વિશ્વમાં ડંકો વાગી ગયો હતો. હવે વડાપ્રધાનએ (PM Narenda modi) કેવડિયામાં જુદીજુદી થીમ આધારિત પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi in kevadia) લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટો કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કેવડિયા આવે છે. ત્યારે વધુ પ્રોજેક્ટો ઉમેરાતા પ્રવાસીઓ વધુ આનંદ માણી શકશે. કેવડિયામાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે કે જેની મુલાકાત લઈ તેઓ આનંદ માણી શકશે. તો ચાલો વિવિધ પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી વિશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઇ, જેમાં 157 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
જેટ્ટી અને એકતા ક્રૂઝ: પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવે છે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલી છે.
કેકટ્સ ગાર્ડન: સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં પથરાયેલ ગાર્ડન છે. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલો છે. જેમાં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
એક્તા નર્સરી: જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી પ્રવાસીઓને અધ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી ‘‘એકતા હેન્ડીકાફ્રટ’’ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે.
ઈકો બસ-ટુરિઝમ: પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે.
આરોગ્ય વન: માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કઃ અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.
યુનિટી ગ્લો ગાર્ડનઃ પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં 2.41 લાખ LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ વગેરે, 125 ઝળહળતા ફૂલો, 35 વૃક્ષો, 51 ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારનો ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ યાદગાર અનુભવ કરાવે છે.