

દીપક પટેલ, નર્મદા : કોરોના વાયરસને પગલે હાલ 21 દીવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે જીવન જરૂરી સેવા સિવાય તમામ વસ્તુઓ બંધ છે. કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ લૉકડાઉન પહેલાથી જ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે આવેલા વિશ્વનો સૌથી મોટા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુપક્ષીઓ કેવી સ્થિતિમાં છે તેનો ખાસ અહેવાલ.


હાલ વનવિભાગ દ્વારા જંગલ સફારીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કોરોનાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.


એટલું જ નહીં, ભારતીય અને વિદેશી તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. આખું જંગલ સફારી સેનિટાઇઝ કરવામાં આવે છે. બહારથી આવતા લોકોને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે. તમામ પ્રાણીઓનું રોજેરોજ ટેમ્પરેચર માપવામાં આવે છે. જરૂરી ખોરાકનો સ્ટોક અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


દવા વેક્સીનનો સ્ટોક પણ 4 મહિના ચાલે એટલો સ્ટોક કરવામાં આવ્યો છે. આ સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાવામાં આવ્યા છે. આ સાથે પાણીનો છંટકાવ પણ નિયમિત થાય છે. હાલ કોરોના વાયરસને કારણે ભારત આખું લૉકડાઉન છે ત્યારે સફારી પાર્કમાં પશુપક્ષીઓ પણ ક્વૉરન્ટીન કરાયા હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે.


હાલમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સંચાલન કરતા લોકો અને સુરક્ષા જવાનો આવી રહ્યા છે.


સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સ્વયંભૂ ક્વૉરન્ટીન! : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે વર્ષે 40 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે. જોકે, હાલ દેશમાં લૉકડાઉનને પગલે અહીં પ્રવાસીઓના પ્રવેશ પર મનાઈ છે. જેના કારણે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જાણે સ્વયંભૂ હોમ ક્વૉરન્ટીન થઈ ગઇ હોય તેવું લાગે છે.