

દીપક પટેલ, નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની મબલખ આવક થઈ છે. હાલ ડેમમાંથી 23 દરવાજા 4.15 મીટર ખોલીને 8,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જે બાદમાં જિલ્લાના નદી કાંઠાના 23 ગામોને એલર્ટ આપી નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ ગામોની મુલાકાત લેવા સૂચના અપાઈ છે.


બીજી તરફ નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસા દરમિયાન આમ પણ આ પુલની રેલિંગ કાઢી લેવામાં આવે છે. હાલ ગોરા બ્રિજ ઉપરથી 2 મીટર પાણી વહી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી બ્રિજ બંધ રહેતા આઠ ગામોના લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. બુધવારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે નર્મદા નદીનું પાણી રોડ સુધી આવી જતા ભક્તો ગણેશની મૂર્તિનું રોડ પર જ વિસર્જન કરી રહ્યા છે.


હાલ નર્મદા ડેમની સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.90 મીટર પહોંચી છે. હાલ ડેમમાં 10,30,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 5176 mcm લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે. જો ડેમમાં પાણીની આવક વધારે રહેશે તો 1 કલાકમાં ડેમમાંથી 10 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની શકયતા રહેલી છે.