નર્મદા જિલ્લામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા પછી અહીં દેશવિદેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. રોજબરોજ આટલા પ્રવાસીઓ આવતા હોય ત્યારે ત્યાં નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ જરૂરી બની જાય છે. યુનિટી ઓફ સ્ટેચ્યૂ પાસે એક ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે જ્યાં જેલના ભજીયાનો સ્ટોલ લોકોની આંખે વળગીને આવે છે.
સરકારની યોજના મુજબ કેદીઓ સારૂ જીવન જીવી શકે અને સજા પુરી કર્યા બાદ ગૌરવભેર જીવન વિતાવી શકે તે માટે કેદીઓને જેલમાં વિવિધ વ્યવસાય શીખવવામાં આવે છે. જે થકી કેદીઓ પગભર બને છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફુડ કોર્નરમાં રાજપીપળાના 3, અમદાવાદના 5 અને વડોદરાના 5 કેદીઓ દ્વારા ભજીયા બનાવવામાં આવે છે.
નર્મદાનાં એએસપી, અચલ ત્યાગીએ અમારી સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સાબરમતી જેલ માં કેદીઓ દ્વારા બનાવવામાં આવતા જેલના ભજીયા હાઉસ ખુબ જ પ્રખ્યાત છે અને તેનીજ પ્રરેણાથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે પણ જેલ ભજીયા હાઉસ ખોલવામાં આવ્યું છે જ્યાં રાજપીપલાનાં 3 અમદાવાદના પાંચ અને વડોદરાના 5 કેદીઓ દ્વારા ભજીયા બનાવી પ્રવાસીઓ ની જઠરાગ્નિને શાંત્વના અપાય છે.
કેદી, વિક્રમ પટેલીયા, જે ભજીયા બનાવે છે તેઓ જણાવે છે કે, 'અમે આ કામ અમદાવાદ અને વડોદરામાં શીખ્યા હતા અને આ કામ કરવાથી અમને ખુબજ આનંદ આવે છે. અહીં આવતા પ્રવાસીઓ અમારા ભજીયા ખાઈને સંતુષ્ટ થાય છે, તે અમારા માટે ખુબજ આનંદની વાત છે. વળી આ વ્યવસાય શીખ્યા બાદ અમે જયારે સજા પુરી કરીને બહાર જઇશું ત્યારે અમે પણ પગભર બની શકીશુ.