

દિપક પટેલ, નર્મદા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (statue of unity) લોકાર્પણને 31મી ઓક્ટોબર 2020ના રોજ 3 વર્ષ પૂર્ણ થશે. દર વર્ષે દેશભરમાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય છે. આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાદગી પૂર્વક થવાની છે. જેની મેરોથોન મિટીંગો શરૂ થઈ ગઈ છે. આગામી 19 ઓગસ્ટનાં રોજ ગુજરાતના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક મિટિંગ ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાશે.


આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા નિગમ, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહેશે. કોરોના મહામારીની હાલની સ્થિતિને જોતા આ કાર્યક્રમનું કદ નાનું રાખવાની શકયતાઓ છે. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય દળોની એકતા પરેડ અને લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાશે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.


આજે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેથી પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની કાળજી લઈ શકાય. જોકે, દેશના તમામ જે પ્રવાશન સ્થળો કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યા છે. જેને પણ સ્ટેચ્યૂ પરથી જ પ્રધાનમંત્રી શરૂ કરવાની જાહેરાત કરી શકે તેવી સંભાવના છે. આ સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. જોકે, હાલ કોરોનો મહામારીના પગલે માર્ચ મહિનાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ છે.


કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભમાં આગામી 19/8/2020 ના રોજ મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાશે. જેમાં કોરોનાની સ્થિતિને લઈને કાર્યક્રમનો વ્યાપ કેટલો રાખવો, પરેડનું સ્વરૂપ, પદ પૂજા કાર્યક્રમની રૂપરેખા, પ્રદર્શનનો વ્યાપ/રૂપરેખા, આમંત્રીતોની સંખ્યા, ભાગ લેનાર CAPF તથા અન્ય દળો તથા અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ, આમંત્રિતોનું આગમન તથા એમની રહેવાની વ્યવસ્થા, SSNNL દ્વારા પોલિસ માટે જમીન નક્કી કરવા સહીત સુરક્ષા બાબતના અનેક મુદ્દાઓ ચર્ચાશે.