ગીતા મહેતા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સવારે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ મહેશ-નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે બંન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપીને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર હેલિપેડથી કેવડિયા જવા રવાના થયા
બે વર્ષ અગાઉ તારીખ 31 ઓક્ટોબર, 2018ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે.
વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આજે જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
તારીખ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન મોદી આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. વડાપ્રધાન મોદી દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.3ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.