અમદાવાદ: વડાપ્રધાન મોદીએ આજે કેવડિયા ખાતે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસના સમયમાં અહીં 17 પ્રોજેક્ટોનું લોકાર્પણ થવાનું છે. જેમાં એક્તા નર્સરી, કેકટ્સ ગાર્ડન અને જંગલ સફારીનો પણ સમાવેશ થાય છે. આ તમામ પાર્કની પોતાની આગવી વિશેષતા છે. જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને અદ્વિતીયઅનુભવ કરાવે છે.
આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ‘‘સેલ્ફ-હેલ્પ ગૃપ’’ થકી 311 કુટુંબોને આર્થિક લાભ મળે છે.
કેકટ્સ ગાર્ડન: સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.