

દિપક પટેલ, નર્મદા : નર્મદા (Narmada) જિલ્લો પછાત જિલ્લો છે, અહીં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે 80 ટકા લોકો ખેતી (Farming) પર નિર્ભર છે. આ જિલ્લામાં મોટાભાગે ખેડૂતો કેળ અને શેરડીની ખેતી કરે છે. પરંતુ હાલ કેળના પાકમાં ભાવ ન મળતા ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળ્યા છે. નર્મદાના ખેડૂતોએ નવી દિશામાં વિચારીને વિદેશમા થતા ડ્રેગન ફ્રૂટની (Dragon fruit) ખેતી શરૂ કરી છે.


વિદેશમાં થતા ડ્રેગન ફ્રૂટ જે અત્યાર સુધી વિદેશમાંથી ગુજરાતમાં આવતા હતા જે હવે પ્રથમ વાર નર્મદા જિલ્લામાં તેની ખેતી કરવામાં આવી રહી છે. જોકે, જિલ્લામાં પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેકટર્સ ગાર્ડનમાં વાવણી કરવામાં આવ્યું હતું. જેને ખેડૂતોએ અનુકરણ કરી પોતાના ખેતરોમાં વાવણી કરી છે.


નર્મદા જિલ્લાનું વાતાવરણ પણ આ ડ્રેગન ફ્રૂટને માફક આવતા ખેડૂતોના ખેતરોમાં સારો એવો પાક તૈયાર થવા માંડ્યો છે. આજે 1 ડ્રેગન ફ્રૂટના 100 રૂપિયા ભાવ છે. ત્યારે આર્થિક ફાયદા માટે નર્મદાના ખેડૂતો પણ પોતાની અન્ય ખેતી છોડી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માંડ્યા છે.


જિલ્લામાં 100 એકકર જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે અને આજે ખેડૂતોના ખેતરમાં ડ્રેગન ફ્રૂટ તૈયાર થતા ખેડૂતોને હવે રોકડીયા પાક થકી આર્થિક પરિસ્થિતિ સુધરશે તેવી આશા છે. નોંધનીય છે કે, વાનસ્પતિક રીતે ડ્રેગન ફ્રુટન ત્રણ પ્રકાર છે લાલ છાલ સફેદ પલ્પ, લાલ છાલ લાલ પલ્પ અને પીળી છાલ સફેદ પલ્પ.


ડ્રેગન ફ્રુટમાં 70 થી 80 % જેટલો પલ્પ હોય છે જે ફકત તે જ ખાધ ભાગ છે. ઘણા બધા ચિકિત્સકોનું કહેવુ છે કે, તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરના ઝેરી દ્રવ્યો ઓછા કરે છે. તેમજ કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. તે વિટામીન સી, એન્ટિઓકિસડન્ટ, ફાઇબર, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. ડ્રેગન ફ્રુટમાંથી દ્યોગિક ઉત્પાદનો જેવા કે રસ, જામ, સીરપ, આઇસ્ક્રીમ, દહી, જેલી, ક્ન્ડી અને પેસ્ટ્રીઝની બનાવટો બનાવી શકાય છે.