દીપક પટેલ, નર્મદા: કોરોના કાળમાં પ્રાથમિક શાળા (Primary schools)ઓ હજુ પણ બંધ છે. આ સમયે નર્મદાના બોરીદ્રા ગામ (Boridra village) ખાતે એક શિક્ષકે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શિક્ષક ગામના ફળિયે ફળિયે બેલ વગાડી વાલીઓને તેમના બાળકોને શિક્ષણ માટે જાગૃત કરી રહ્યા છે. શિક્ષકે પોતાના સ્કૂટર પર TLM લગાડી એક અનોખી હરતી ફરતી ફળિયા શાળા શરૂ કરી છે. શિક્ષકના આવા પ્રયાસની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
કોરોના મહામારીની શરૂઆતથી જ ભારતમાં શાળા-કૉલેજો બંધ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન સરકારે ઓનલાઇન એજ્યુકેશનથી લઈને ટીવી ચેનલોના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઓનલાઇન શિક્ષણમાં બાળકોને કંઈ સમજ ન પડતી હોવાના અનેક ફરિયાદો ઊઠી છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામમાં એક શિક્ષક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ ગામ ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પછાત છે. ગામામાં ઇન્ટરનેટની કનેક્ટિવીટી નથી, ટીવી પણ ખૂબ ઓછા ઘરોમાં છે.
આવી પરિસ્થિતિમાં બાળકોને શિક્ષણ આપવા માટે બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે બોરીદ્રા ગામમાં એક અનોખો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. તેઓ પોતાના ટુ-વ્હીલર પર પર ફળિયે ફળિયે જાય છે અને અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને ભણાવે છે. આ રીતે ભણીને બાળકોને પણ મજા પડે છે.
શિક્ષક જાતે ચાર્ટ, પપેટ અને બાળકોને ગમે એવા મોડલ બનાવીને તેમને તેમની જ ભાષામાં રમતાં રમતાં શિક્ષણ આપી રહ્યા છે. એક કર્મઠ શિક્ષકની ભૂમિકા અને પ્રવૃત્તિ આજે રાજ્ય જ નહીં, દેશના બીજા શિક્ષકો માટે દિશા સૂચક બની રહી છે. બાળકોનું પણ કહેવું છે કે કોરોના મહામારીમાં શાળા ભલે બંધ હોય પરંતુ અમારા અનિલ ગુરુજીની ગામમાં રોજ હાજરી હોય છે. અમને ક્યારે એવું લાગ્યું નથી કે શાળા બંધ છે. તેઓ રોજ અમારા ઘરે આવીને અમને માર્ગદર્શન આપે છે.