દિપક પટેલ, નર્મદા: ડેડિયાપાડાના બોરીપીઠા ગામના વતની શુક્રાબેન વસાવા મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયાં છે. તેમણે બોરીપીઠા ગામની બહેનોને જાગૃત કરી આત્મનિર્ભર બનાવવામાં સિંહફાળો આપ્યો છે. આજે આ ગામની મહિલાઓ પ્રાકૃતિક ખેતી તરફ વળી છે. આ સાથે જ પ્રાકૃતિક ખાતર બનાવી આર્થિક ઉપાર્જન પણ કરે છે. શુક્રાબેન ‘ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર’થી કુદરતી જંતુનાશક દવાઓનું નિર્માણ કરીને સારી આવક પ્રાપ્ત કરી રહી છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાની કામગીરીને પણ આગળ ધપાવી રહી છે.
નર્મદા જિલ્લામાં સુગર ફેક્ટરીના ખેડૂતોથી લઈને ડેડીયાપાડા સાગબારાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેમને સરકાર દ્વારા પણ અનેક પ્રોત્સાહન પુરું પાડવામાં આવે છે. આ પ્રયાસો થકી એક આદિવાસી બહેન શુક્રાબેન વસાવા જાગૃત બની પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવાનું બીડું ઉપાડીને આસપાસના ખેડૂતોની જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી છાણીયા ખાતરના તત્વોના મિશ્રણથી જૈવિક દવાઓ તૈયાર કરી રહી છે. ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્રની શરૂઆત કરીને જમીનને ફળદ્રુપ બનાવવા માટે કુદરતી રીતે તૈયાર કરેલી આ જૈવિક દવાઓ માટે શુક્રાબેને અન્ય બહેનોની પણ મદદ લીધી છે. જેના વેચાણથી બહેનો માસિક રૂ. 50 હજારથી વધુની આવક મેળવી રહી છે. શુક્રાબેનની કંઈક કરવાની ધગશના કારણે પોતાની સાથે અન્ય બહેનોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. બહેનો પોતાના પરિવારને આર્થિક ટેકો આપીને સ્વાવલંબી જીવન જીવી રહી છે અને આત્મનિર્ભર તરફ સ્વબળે આગળ વધી રહી છે. આ મહિલાઓ માટે એક દિશાસૂચક બની છે.
ઉલ્લેખનીય છે કે, રાસાયણિક દવાઓના બદલે કુદરતી તત્વોથી બનતી જૈવિક દવાઓના વેચાણ દ્વારા છેલ્લા બે વર્ષમાં શુક્રાબેન સહિત અન્ય બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે જૈવિક દવાઓની માંગ ડેડીયાપાડાના આજુબાજુના ગામો સહિત ઝઘડિયા, નિઝર અને સુરત સુધી તેમની માંગ પહોંચી છે. જે શુક્રાબેનના સફળ પ્રયાસોનું પરિણામ છે. આજે આત્મનિર્ભર બની રહેલા શુક્રાબેન અન્ય બહેનોને રોજગારી પૂરી પાડીને સન્માનભેર જીવન જીવી રહ્યાં છે. આ વાત ખરેખર બીજા માટે પ્રેરણારૂપ છે અને બહેનો માટે પૂરક રોજગારીનું એક સાધન બન્યું છે.
શુક્રાબેન વસાવા (સફળ મહિલા, બોરીપીઠા ) આગાખાન સંસ્થા દ્વારા તાલીમથી જૈવિક દવાઓ અંગે માહિતગાર થયા હતા. સરળતાથી ઉપલબ્ધ થતી પ્રાકૃતિક વસ્તુઓ-વનસ્પતિઓનો ઉપયોગ કરીને જૈવિક દવાઓ તૈયાર કરવાની પદ્ધતિ શીખ્યા બાદ સૌપ્રથમ દવાઓનો ઉપયોગ પોતાના ખેતરમાં જ કર્યો હતો. આસપાસના ખેડૂતમિત્રોને શરૂઆતમાં પોતાની નવનિર્મિત પરિણામલક્ષી પ્રોડક્ટને નિશુલ્ક ઉપલબ્ધ કરાવી આપી હતી. ત્યારે પાકમાં સુધારો જોવા મળતા ખેડૂતોની માંગ વધતી ગઈ અને ત્યારબાદ ગામમાં જ ‘ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર’ શરૂ કર્યું. આજે તેમની સાથે પાંચ લોકો જોડાયેલા છે.
કોઈપણ પ્રકારના કેમિકલ વગર આંકડાનાં પાંદડા, બેસન કે કોઈ પણ દાળનો લોટ, ગોળ, લીમડાનાં પાદંડા, ગૌમૂત્ર, તાજી છાસ, પાણી માંથી અમૃતપાણી જે પાકના વિકાસ માટે ઉપયોગમાં આવે છે. ખેતીના પાકમાં આવતી હાનિકારક કીડો-કીટકોને નાશ કરવા માટે પેન્ટાફાઈટર. ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચા, દેશી લસણમાંથી અગ્નિયાસ્ત્ર બનાવવામાં આવે છે અને તે ઈયળ સહિત કોઈ પણ પ્રકારના જીવાને રક્ષણ આપવામાં મદદ કરે છે. ડાંગર તુવેરના બીજને પડ આપવા માટે બીજામૃત દવા ઉપયોગ કરવામાં આવે છે. બોરીપીઠા ગામમાં પ્રવેશતાની સાથે જ શુક્રાબેનના ઘરે મીઠાબેન, લલીતાબેન, સવિતાબેન અને સુભાષભાઈ, જેવિક કુદરતી દવાઓ બનાવતા જોવા મળે છે.