દિપક પટેલ, નર્મદા : ગુજરાતમાં વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે સાથે સાથે જંગલોમાં ધોધની પણ સીઝન ચાલી રહી છે. રાજ્યનાં પહાડી વિસ્તારોમાં ચોમાસામાં અનેક સુંદર ધોધ બનતા હોય છે જેને જોઇને જ આપણે ખુશ થઇ જઇએ. નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદને કારણે ડુંગર વિસ્તારના નદી નાળા છલકાતા કુદરતી ધોધ નિર્માણ પામ્યા છે. માંડણ ગામ નજીક આહલાદક કુદરતી ધોધ આ મોસમમાં ખીલ્યો છે. જેને જોવા દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા છ સાત દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લાના નદી નાળા છલકાયા છે. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક ધોધ અને નદી-નાળાઓ છલકાયા છે. ત્યારે કેટલાક નવા ધોધ પણ નિર્માણ પામ્યા છે. જેમાં રાજપીપલા ડેડીયાપાડા મુખ્ય રોડ માંડણ ગામ નજીક એક ઉંચા ડુંગર પરથી સફેદ દૂધ જેવું પાણી પડતા એકદમ સુંદર આહલાદક દ્રશ્ય સર્જાયુ છે.
જે જોઈને પ્રવાસીઓ અહીં કલાકો ગાળીને સેલ્ફી પાડી મઝા માણે છે. હાલ કોરોનાને કારણે પ્રવાસન સ્થળો બંધ છે. ત્યારે લૉકડાઉનમાં ત્રણ ચાર.મહિના ઘરમાં રહીને બહાર ફરવા નીકળે તો ક્યાં જાય જો એવું થતુ હોય તો આ ધોધ જોવા જેવો છે. વરસાદમાં આવા કુદરતી ઘોધ જોઈને પ્રવાસીઓ પણ ધોધમાં ફોટા પાડવાની મઝા કરતા જોવા મળ્યા હતા.