નર્મદા: નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના પગલે નર્મદા ડેમ હાઇએલર્ટ પર મૂકાયો છે. હાલ ડેમની સપાટી 135.65 મીટર છે, જ્યારે પાણીની આવક 7.75 લાખ ક્યુસેક થઇ રહી છે. જેના લીધે ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8514 MCM છે. ડેમ સંપૂર્ણ સપાટી 138.68 મીટરે ભરાય તો ગ્રોસ સ્ટોરેજ 9460 MCM થાય. હાલ કુલ ગ્રોસ સ્ટોરેજના 91% પાણીથી નર્મદા ડેમ ભરાયો છે. ઉપરવાસના ડેમ તથા કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદથી ડેમમાં નવા પાણીની આવક થઇ રહી છે. 7.75 લાખ ક્યુસેકની આવક સામે નદીમાં પાણીની જાવક 5,44,391 ક્યુસેક છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ 26.50 ફૂટે પહોંચ્યું છે.
નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 7.5 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 135.53મીટરે પહોંચી છે. વધુ માત્રામાં પાણીની અવાકને પગલે નર્મદા ડેમના 23 ગેટ ખોલીને નર્મદા ડેમમાંથી લગભગ 6 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. ત્યારે નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગરુડેશ્વર વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટીનું લેવલ ઊંચું આવતાં 12 કિલોમીટર દૂર ગરૂડેશ્વર ખાતે આવેલ વિયર કમ કોઝવે ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં વીઆર ડેમ 6 મીટરથી ઓવરફ્લો થતાં તેનો રમણીય કુદરતી નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
નદીમાં વધેલા જળ સ્તરના કારણે આસપાસના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. જળ મગ્ન બનેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. ઉભા પાક પર પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની સંભાવના છે. મકાઇ, શાકભાજીના પાકને મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે ગામડાઓના સંપર્ક કરતાં રસ્તાઓ પર પાણા ફરી વળ્યું છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન છે. રોડ પર પાણી ફરી વળતાં ખેતરો, રોડ-રસ્તા એક થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં (Gujarat rain forecast) હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather forecast) આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે. જ્યારે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે.