દિપક પટેલ, રાજપીપળા : ગુજરાત સરકારે હાલમાં દારૂબંધીનો (Liquor ban) કડક કાયદો અમલમાં મુક્યો છે. સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના (Narmada) અંતરિયાળ એવા ડેડીયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી (Liquor poured on Road inaugration) કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ મનસુખવસાવાએ આ મામલે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત 25/10/2020નાં રોજ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત / ભૂમિપૂજન પ્રસંગે ડેડીયાપાડા BTPના MLA મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યાં. દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવતા આ મામલે ભાજપની જ ખૂબ ટીકા થઈ રહી છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ખફા છે, એમણે જણાવ્યું હતું કે, હંમેશા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી) થી પૂજન કરવામાં આવે છે. તેના બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યાં છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાંકે આ પ્રસાદી પણ લીધી. જેમાં ઘણા બધાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે, વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઈ આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માંગે છે?
આ કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે અમે પેહલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTP MLA મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂના અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ તે વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે. સત્તામાં આવ્યા પછી BTP MLA મહેશભાઈ વસાવા નવી નવી પ્રથાઓ ઉમેરવા માંગે છે.