દીપક પટેલ, નર્મદા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાફ સફાઈ માટે આધુનિક ક્રેન લગાવવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓની સુરક્ષા માટે સરદાર પટેલની પ્રતિમાના પગના ભાગે બે ગેટ (Gate) લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને અનાવરણને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે પ્રતિમાની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેન લગાવીને કામદારોને કામે લગાવવામાં આવ્યા છે. સ્ટેચ્યૂના બહારના ભાગની સાફ સફાઈ કરવી ઘણી મુશ્કેલ હોવાથી આ માટે ખાસ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્ટેચ્યૂ ખાતે બ્રોન્ઝ પ્લેટો એવી રીતે લગાવવામાં આવી છે કે જેનાથી તેને જરૂર પડ્યે ખોલી શકાય. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રતિમાના છાતના ભાગે લોખંડને કાપીને ત્યાં 11 બારીઓ મૂકવામાં આવશે. જોકે, બાદમાં ખુલાસો કરાયો હતો કે લોખંડને કાપવાને પદલે 11 જગ્યાએથી પ્લેટો ખોલીને સાફ સફાઈ કરવામાં આવશે.
નર્મદા ડેમના મુખ્ય ઈજનેર પી. સી. વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને 6000 બ્રોન્ઝની પ્લેટોને જોડીને બનાવવામાં આવી છે. તેની સફાઈ માટે પાણીની વ્યવસ્થા અંદર કરવામાં આવી છે. સફાઈ કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે નક્કી કરવામાં આવેલી જગ્યાએથી પ્લેટ ખસેડવામાં આવે છે. જે બાદમાં તાલિમબદ્ધ કારીગર સફાઈ માટે બહાર નીકળે છે અને બાદમાં પ્લેટનો પાછી ગોઠવી દેવામાં આવે છે. આથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કોઈ બારી કે દરવાજા મૂકવામાં નહીં આવે. ડિઝાઈન બનાવતી વખતે જ આ વાત નક્કી હતી. આની જોગવાઈ પણ કરવામાં આવી છે."
મુખ્ય ઇજનેરના જણાવ્યા પ્રમાણે "સ્ટેચ્યૂના લોકાર્પણને એક વર્ષ પૂરું થયું છે. આથી હવે તેનું જાળવણીકામ (મેઇન્ટેનન્સ) શરૂ થયું છે. જે અનુસંધાને નિશ્ચિત જગ્યાએથી પ્લેટો ખોલવામાં આવી રહી છે. આ સ્ટેચ્યૂ બ્રોન્ઝનું બનેલું છે. આથી તેનું ઑક્સિડેશન (રસાયણિક પ્રક્રિયા, જેમાં રંગ બદલવા જેવા ફેરફાર થાય) થશે. જે અનુસંધાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રંગ બદલાશે. અગાઉથી અંદાજ હતો તે પ્રમાણે જ પ્રતિમાના રંગમાં ફેરફાર થઈ રહ્યો છે."