રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે વડાપ્રધાન નરેદ્ર મોદીએ 17 જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને ખુલ્લું મૂક્યું છે. આગામી 3 નવેમ્બરથી એટલે મંગળવારથી તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા થઇ જશે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ કેવડિયા પ્રવાસન ધામ ખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા થયા છે. હાલ શાળાઓમાં પણ દિવાળી વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ઓનલાઇન બુકિંગ કરાવીને ગુજરાતીઓ આ પ્રવાસ માણશે તેવુ માનવામાં આવી રહ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 3 નવેમ્બર માટે 500થી વધુ ટિકિટ અત્યારથી જ બુક થઇ ગઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 3 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓ બુક કરાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ સી-પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ, હવાઈ બંને રીતે પ્રવસીઓ આવી શકશે. આગામી સમયમાં ટ્રેન પણ શરૂઆત થશે. હાલ આ અંગેનું કામકાજ ચાલી રહ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના (Statue of Unity, Kevadia) સંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આરોગ્યવન, એકતામોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ, જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું.
આ સાથે પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું (website and Mobile app) પણ લોન્ચિંગ કર્યું હતું. આ વેબ સાઈટ વિશ્વની બહુવિધ 6 ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગતો પૂરી પાડશે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ www.soutickets.in પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકશે.