

રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. હાડ થીજવતી ઠંડી સાથે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હજી આવતીકાલ સુધી એટલે 11મી તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રથી ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ ત્યાંથી પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડયું છે. શનિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સૌથી વધુ 2.87 ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.29 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજ્યના 15 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં મુશળધાર આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ અને નર્મદાના ગુરૂડેશ્વરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ નોધાયો હતો. માનઠાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કપાસ સહિતના તૈયાર પાકમાં ઘણુ નુકસાન ગયું છે.


દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ, નિઝર, ઉચ્છલ સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. રાત બાદ દિવસે પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. કમોસમી વરસાદથી અજમો, તુવેર, મગ તથા શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બે દિવસથી વરસાદ પડી રહ્યો હોવાથી જગતનો તાત ચિંતામાં સરી પડ્યો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 'સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે જ્યારે રાજ્યના કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રવિવારે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે સોમવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.