

દિપક પટેલ, નર્મદા : સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.17 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશેકોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી કોવિડ-૧૯ અંતર્ગત સરકારનીઅનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. 17 ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે.


આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ 2500 પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.


જે પૈકી માત્ર 500 પ્રવાસીઓને 193 મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ www.soutickets.inઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.


ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદની સાબરમતીથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે, અને આગામી 31ઑક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરનાર છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે, તે તળાવ નંબર 3 પાસે સીપ્લેન માટેની જેટી બનવવાનું કામ પૂર્ણતાના આરે છે. જે અંગે નર્મદા નિગમ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે. આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટનાં 6 પોન્ટુન, મુંબઈથી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી છે.