

ફરીદ ખાન પઠાણ, વડોદરા : દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ગુજરાતના બે દિવસીય પ્રવાસે નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. જેમાં વિદેશમંત્રી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી અને આ સાથે તેમણે સરદાર સરોવર ડેમ પણ જોયો. તો ગઇકાલે તેમણે રાજપીપળા મુખ્ય પોસ્ટઓફિસ ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો તેમણે શુભારંભ કરાવ્યો હતો.


મહત્વનું છે કે રાજપીપળા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે, પોષ્ટ ડિપાર્ટમેન્ટની ભાગીદારી અને સહયોગથી આજે પાસપોર્ટ કઢાવવો એ સરળ બન્યું છે. લોકોને પાસપોર્ટ કઢાવવો આસાન બને એ અમારી પ્રાથમિકતા છે. ઉપરાંત આ મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનું આ ઉત્તમ ઉદાહરણ છે. વિદેશમંત્રી બન્યા બાદ આ પ્રથમ POPS કેન્દ્રનું મેં ઉદ્ધઘાટન કર્યું છે. નર્મદા જિલ્લો એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ છે, એને મોડલ ડિસ્ટ્રીકટ બનાવવાનો અમારો પ્રયાસ રહેશે.


વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ નર્મદા જિલ્લાનાં પ્રવાસે છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીનું જળ સ્તર પણ વધી રહ્યું છે. જેના કારણે હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટરને પાર કરી ગઇ છે. આ ઐતિહાસિક ક્ષણે સરદાર સરોવરની તેમને મુલાકાત લીધી હતી.


નોંધનીય છે કે નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક 8 લાખ ક્યુસેક થઈ રહી છે. જેની સામે ત્રેવીસ દરવાજા ખોલીને 6 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. પાણીની આવક સામે જાવક સરખી રાખી હાલ જળ સપાટી જાળવવામાં આવી રહી છે. નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી તરફ આગળ વધી રહી છે. ત્યારે નર્મદા નિગમનાં ઇજનેરો પણ ખૂબ કાળજી લઈ રહ્યા છે. બીજી બાજુ કાંઠાના ગામોમાં પાણી ઘુસતા જે નુકસાન થયું છે એના પર પણ તંત્ર વોચ રાખી લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. નર્મદા બંધ 138 મીટરને પાર થઇ ગયો છે ત્યારે પર છલોછલ થઈ એક નવો વિક્રમ બનાવવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત માટે આ ઉત્સવનો દિવસ હશે. જેથી સમગ્ર રાજ્યમાં નર્મદા મૈયાને વધામણાંના કાર્યક્રમો કરશે.