

રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં આક્રમક બેટિંગ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં ફરી એક વાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વાપીમાં 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વાપી શહેરનાં નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયાં હતા. દુકાનોમાં પાણી ભરાતાં વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાવાથી જળબંબાકારની સ્થિતિ થઈ હતી.


જિલ્લામાં વાપીમાં 11.5 ઇંચ, પારડીમાં 9.6 ઇંચ, વલસાડ શહેરમાં 5.6 ઇંચ, કપરાડામાં 2.6 ઇંચ, ઉમરગામમાં 6.1 ઇંચ જ્યારે ધરમપુરમાં 4.6 ઇંચ વરસાદ વરસ્યો છે.


ભારે વરસાદના પગલે વાપી વલસાડ, પારડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જોકે, મોડી રાત્રે વરસાદનું જોર ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.