

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો કોરોના ગાઇડલાઇન પ્રમાણે, મતદાન કરી રહ્યાં છે. આ સાથે ડાંગની ભારતની દોડવીર જે ડાંગ એક્સપ્રેસ (Dang Express) તરીકે જાણીતી છે તે સરિતા ગાયકવાડે (Sarita Gayakwad) સૌપ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


સરિતા ગાયકવાડે ન્યૂઝ18ગુજરાતી સાથે વાતચીતમાં મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે, જેમ સ્પોર્ટ્સમાં એક એક મિનિટનું મહત્ત્વ હોય છે તેમ ચૂંટણીમાં પણ એક એક વોટનું મહત્ત્વ હોય છે. ઉમેદવારોની હાર જીત એક વોટ પર જ આધારા રાખે છે, તેથી વોટ કરવું ઘણું જરૂરી છે.


ડાંગની રહેવાસી સરિતા ગાયકવાડ ભારતને એશિયન ગેમ્સની રીલે દોડમાં ગોલ્ડ અપાવનારી ટીમની સભ્ય રહી છે. ગુજરાત સરકારે તાજેતરમાં તેનું સન્માન કરતાં ડીવાયએસપી તરીકે નિમણૂક કરી હતી. નોંધનીય છે કે, સરિતા ગાયકવાડની ગુજરાત સરકાર દ્વારા DySP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અંગેની માહિતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Minister of State for Home Pradipsinh Jadeja) ટ્વીટ કરીને આપી હતી. આ સાથે સોશિયલ મીડિયા ઉપર સરિતા ગાયકવાડ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ ટ્વીટ કરીને ગોલ્ડમેડાલિસ્ટ દોડવીર સરિતાને શુભેચ્છા પાઠવી હતી.


<br />ડાંગ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમા 1,78,157 મતદારો આજે, 3જી નવેમ્બરે મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.ડાંગ પેટાચૂંટણી માટે 357 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં કોરોના કાળને ધ્યાને લઈને મતનું દાન પણ અને સ્વાસ્થ્યનુ ધ્યાન પણ રાખવા માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયું છે. ડાંગ જિલ્લામાં આ અગાઉ યોજાયેલી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો અહીં સને 2014ના લોકસભા ચૂંટણીમાં 81.33 ટકા, 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.64 ટકા, 2019ની લોકસભાની ચૂંટણીમા 81.23 ટકા મતદાન નોંધાયું હતું. અહીં આજે બપોરે એક વાગ્યા સુધીમાં 40 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.