

કેતન પટેલ, ડાંગ: આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્ત્વની પૂજા હોય છે. જેમાં માગસર પૂનમ પહેલા 15થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. આ પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. તેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે.


ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એકવાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે.


વારા આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. ભાયા વખતે ભગવતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારો આવતાં જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે.


જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે.


ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. જેને ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે તેમને ભાન નથી હોતું. અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. આ પૂજામાં જેમણે ભાગ લેવો હોય તેમણે સ્નાન કરવું જ પડે છે. વારો આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે.


ભાયા નાચ વખતે પાવરી વાગે છે. અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ડુંગરદેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી. આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે.


ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે. બીજા ગામે જ્યારે ભાયા જાય છે. ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે. ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે.


નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત માયા નૃત્ય થાય છે.


ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું મહત્તવ ઘણું છે. ડુંગરદેવ બે રીતે કરવામાં આવે છે. એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે, બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે.