કેતન પટેલ, આહવા : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળની બાજુમાં આવેલ શિવશક્તિ મોબાઈલની દુકાનમાંથી શટર તોડી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની મતાનાં અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે. આ મોબાઇલની દુકાનમાંથી કુલ રૂ.1,04,919નો મુદા માલ ચોરાયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
આહવા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં ડાંગ સેવા મંડળની બાજુમાં પ્રવીણસિંહ ગેસુસિંહ રાજપુરોહિતની શિવશક્તિ મોબાઈલની દુકાન આવેલી છે. શિવશક્તિ મોબાઇલની દુકાનની દિવસ દરમિયાન રેકી કરી હોય બાદમાં સાંજના સુમારે આ મોબાઈલની દુકાન બંધ કરી ઘરે જતા રહયા હતા. શનિવારે સવારે આ મોબાઈલની દુકાનની બાજુમાં ચાની રેકડીવાળાએ મોબાઈલની દુકાનનાં માલિકને ફોન કરી જણાવેલ કે તમારા દુકાનનું શટર ઊચું દેખાઈ રહયુ છે. બાદમા તરત જ મોબાઈલની દુકાન ખોલી અંદર ફર્નિચરમાં મુકેલી મોબાઈલની તપાસ હાથ ધરતા મોબાઈલ ચોરી થઇ હોવાનું જણાયું હતું.
આ અજાણ્યા ચોરોઓ દ્વારા શિવશક્તિ મોબાઈલની દુકાનનું શટર તોડી અલગ અલગ કંપનીનાં 10 જેટલા મોબાઈલ જેની કિંમત 1,04,919નો મુદ્દામાલ ચોરી જતા તપાસનો વિષય બનવા પામ્યો છે. હાલમાં શિવશક્તિ મોબાઈલનાં દુકાન માલિકનાં ફરિયાદનાં આધારે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી આ અજાણ્યા ચોરનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.