કેતન પટેલ, ડાંગ : કોરોનાકાળ દરમિયાન લોકડાઉન (Lockdown) સમયે રાજ્યમાં માર્ગ અકસ્માત (Road Accident)ની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના કારણે રોજે-રોજ માર્ગ અકસ્માતમાં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આજે ડાંગ જિલ્લામાં (Dang) એક દિપતીને રોડ અકસ્માત નડ્યો છે, જેમાં એકનું મોત થયું છે, તો એકને ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વઘઈથી સાપુતારા માર્ગ (Saputara Highway)પર એક બાઈક અને ટવેરા કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. બાઈક સવાર દંપતીમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વઘઈ સાપુતારા માર્ગ પરથી આજે બપોરે બાઈક સવાર દંપતી પસાર થઈ રહ્યા હતા તે સમયે, વઘઈ બોટેનિકલ ગાર્ડ નજક એક ટવેરા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ પત્ની બંને ધડાકાભેર રોડ પર પટકાયા હતા, ત્યારે અકસ્માત સર્જનાર ટવેરા ચાલક, ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.
મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમયે માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ પોલીસે પહોંચી મામલો હાથ પર લઈ લીધો હતો. હાલમાં પોલીસે મૃતકને પણ હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી છે. સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો, બાઈક સવાર દંપતીના અન્ય પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. તો અકસ્માત સર્જી ભાગી જનાર મહારાષ્ટ્ર પાર્સિંગની ટવેરાના ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર બાઈકનો નંબર નવસારીનો હોવાનું જાણવા મળે છે, જેથી દંપતી નવસારી વિસ્તારના હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.