

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના (Narmada Dam) 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદી (Narmada River)હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 52 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ (Golden Bridge) ખાતે નર્મદાની જળ સપાટી ભયજનકને પાર કરીને 32 ફૂટે પહોંચી છે. જેને પગલે નર્મદા કાંઠાના ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના (Bharuch) ફૂરજા અને દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી છે.


નર્મદા નદી હાલ તેની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે હાલ જિલ્લામાં 4, 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે ભરૂચના ફુરજા અને દાંડિયાબજાર વિસ્તારમાં પુરના પાણી ભરાયા છે. જેના કારણે ભરૂચવાસીઓ નીચે ચાલી નથી શકતા જેથી બજારમાં હોડીઓ ફરી રહી છે. જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે ભરૂચ ફાયર બ્રિગેડની ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે.


ભરૂચમાં જૂના બોર ભથ્થાબેટથી સરફૂદી સકરપોર તરિયા ઘનટુરિયા કોઇલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા 5 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.


નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 52 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.