અમદાવાદ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા, 'ટ્રબલશૂટર' અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ (Ahmed Patel)નું 71 વર્ષની વયે વહેલી સવારે નિધન થયું છે. તેમના નિધનથી કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને મોટી ખોટી પડી છે. તેમના નિધનના સમાચાર પર તમામ લોકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બીજી તરફ તેમના નિધનથી તેમના માદરે વતન એવા પીરામણ ગામ (Piramal Village)ના લોકો શોકમય છે. અહેમદ પટેલના નિધનના સમાચાર મળતા જ તેમના ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલે ગામ માટે ઘણું કર્યું છે. તેઓ નાનામાં નાના માણસનું સાંભળતા હતા. (તસવીર: પીરામણ ગામ ખાતે દફનવિધિની તૈયારી)
ગામમાં દફનવિધિ થાય તેવી શક્યતા : અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના ગામ પીરામણ ખાતે જ કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને ગામના કબ્રસ્તાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહેમદ પટેલની ઈચ્છા હતી કે તેઓને તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફન કરવામાં આવે. તેઓને તેમના માતા હવાબેન અને પિતા મહંમદભાઈની કબર નજીક દફન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નવસારી ખાતે રહેતા બહેનના ઘરે શોકનો માહોલ : કૉંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના દુઃખદ અવસાનને લઇને નવસારી ખાતે રહેતા તેમના બહેન મેમુનાબેન ઈકબાલ ઉનીયાના ઘરે શોકનો માહોલ છવાયો છે. નિધનના સમાચાર બાદ અહેમદ પટેલના બહેન મેમુનાબેન ઈકબાલ ઉનીયા પોતાના વતન પીરમણ જવા રવાના થયા છે. તેઓએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે અહેમદ પટેલના પાર્થિવ દેહને દફનવિધિ માટે પીરામણ ખાતે લાવવામાં આવશે.
અહેમદ પટેલે વાંદરી ગામ લીધું હતું દત્તક : અહેમદ પટેલનું નિધન થયું છે ત્યારે તેઓએ દત્તક લીધેલા વાંદરી ગામ ખાતે પણ શોકનો માહોલ છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેઓએ નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલું વાંદરી ગામ દત્તક લીધું હતું. તેઓ અનેકવાર વાંદરી તેમજ ડેડીયાપાડાની મુલાકાત લેતા હતા. (પીરામણ ખાતે આવેલું અહેમદ પટેલનું ઘર)
અહેમદ પટેલની રાજકીય કારકિર્દી: અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કટોકટીના દિવસોથી થઈ હતી. 28 વર્ષીય પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલને તેમણે પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ સાઇડલાઇન થયા હતા. તેઓ ફક્ત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનીને રહી ગયા હતા. જે બાદમાં 90ના દાયકામાં સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે તેઓએ અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા હતા.
પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને નિધનના સમાચાર આપ્યા : અહેમદ પટેલના નિધનના સમાચાર તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આપ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "મારા પિતા મી. અહેમદ પટેલનું 25-11-2020ના રોજ રાત્રે ત્રણ વાગ્યે નિધન થયું છે. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી. અલ્લાહ તેમને જન્નત બક્ષે તેવી દુઆ. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને ક્યાંય પણ વધારે સંખ્યામાં એકઠા ન થાય. તમામ જગ્યાએ સશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે."