

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ તેનાં પિતા અને પટના સાહેબની ભાજપની સીટથી ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાનું જાહેરમાં સમર્થન કર્યુ છે. સોનાક્ષીએ કહ્યું કે, તેમણે ઘણા સમય પહેલાં જ ભાજપ છોડી દેવું જોઇતું હતું.


સમાચાર એજન્સી ANI સાથે સોનાક્ષીએ વાત કરી હતી જેમાં તેણે કહ્યું કે, 'મને લાગે છે કે તેમને આ નિર્ણય થોડા સમય પહેલા જ લઇ લેવાની જરૂર હતી. તેમને તે સમ્માન મળતુ ન હતું જેનાં તે હકદાર હતાં.'


એક એવોર્ડ ફંક્શનમાં પહોચેલી એક્ટ્રેસે કહ્યું કે, 'આ તેમની પસંદની વાત છે મને લાગે છે કે જો આપ ક્યાંય ખુશ નથી તો આપે બદલાવ લાવવો જોઇએ. તેમણે પણ એ જ કર્યુ છે.'


શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ સાથે જોડાવવાનાં સવાલ પર કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ ગઇ છે. નવરાત્રિ શુભ મુહૂર્ત હોય છે. એટલે સારા કામની શરૂઆત પહેલાં નોરતે 6 એપ્રિલનાં રોજ કરીશ. કોંગ્રેસ સાથે જોડાવવા મામલે સોનાક્ષીએ કહ્યું કે,'મને લાગે છે કે તે કોંગ્રસ સાથે જોડાઇને વધુ સારુ કામ કરી શકશે. અને પોતાનાં પર કોઇ પ્રકારનું દબાણ પણ અનુભવશે નહીં.'