

નવી દિલ્હી : બસ આ છોકરીના લગ્ન થઈ જાય એટલે ગંગા ન્હાયા આ વાત તમે માતાપિતા કે પછી કોઈ સંબંધીના મોઢેથી સાંભળી જ હશે. આપણા સમાજમાં છોકરી મોટી થતાં જ પરિવારના લોકો તેમજ સંબંધીઓને તેના લગ્નની ચિંતા થવા લાગે છે. અનેક ઘરોમાં તો છોકરીના જન્મ સાથે જ તેમના માતાપિતા તેના લગ્ન માટે બચત એકઠી કરવા લાગે છે. આજના આધુનિક યુગમાં છોકરીની ઉંમર જો 25 વર્ષને પાર કરી જાય તો સગા-સંબંધીઓ લગ્ન માટે અનેક પ્રસ્તાવ લઈને આવતા હોય છે.


ગ્રેજ્યુએટ થતા જ લગ્નની વાત : દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેની દીકરીના વહેલી તકે હાથ પીળા થઈ જાય. આ માહોલ વચ્ચે સૌથી વધારે પરેશાન છોકરી હોય છે. આજકાલ છોકરી ગ્રેજ્યુએટ થવાની સાથે જ તેના લગ્નની વાત ચાલવા લાગે છે.


છોકરાઓ સાથે પણ કંઈક આવું જ બનતું હોય છે. એમાં પણ છોકરાને સારી નોકરી મળતા જ તેના લગ્ન કરી દેવામાં આવે છે. એમાં પણ ઘરમાં જુવાન દીકરો કે દીકરી હોય તો ઘરે મળવા આવતા સંબંધીઓ સાથે પણ લગ્નની જ વાત થાય છે.


લગ્ન માટે માતા-પિતા દબાણ કરે છે : છોકરી જુવાન થતાં જ અમુક સંબંધીઓ છોકરીના માતાપિતા સમક્ષ પોતાના પરિચિત છોકરાઓ તરફથી લગ્નના પ્રસ્તાવ લઈને આવતા હોય છે. આ તમામ હલચલ વચ્ચે સૌથી વધારે ગુસ્સો છોકરીને આવે છે. પરંતુ આ એવી સમસ્યા છે જેના વિશે તે કંઈ કહી પણ નથી શકતી.


એક સમય પછી તો ખુદ માતાપિતા પણ દીકરીને લગ્ન માટે દબાણ કરવા લાગે છે. અંતે છોકરી કે છોકરો ઇચ્છા ન હોવા છતાં અજાણ્યા પ્રસ્તાવ પર હા કહી દેતા હોય છે. જો તમે પણ આવી કોઈ સ્થિતિમાં મૂકાયા હોવ તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.


સ્પષ્ટ વાત કરો : કોઈ જ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સારો અને યોગ્ય રસ્તો એ છે કે તમે તેનો સામનો કરો. જો તમે ચૂપ રહેશો તો ક્યારેય પણ મુશ્કેલી કે તણાવમાંથી બહાર નહીં નીકળી શકો. એટલે જો તમે ઇચ્છો છો કે થોડા સમય સુધી તમારે લગ્ન નથી કરવા તો તમે તમારા માતાપિતા સાથે આ અંગે ખુલીને વાત કરો.


એવું શક્ય છે કે તમે અભ્યાસ પૂરો કરવા માંગતા હો કે પછી પોતાની કારકિર્દીને થોડો સમય આપવા માંગતો હો, તો આ અંગે યોગ્ય સમાધાન એ જ છે કે તમે વ્યાજબી કારણ સાથે તમારા માતાપિતાને સ્પષ્ટ કહો કે તમે અત્યારે લગ્ન કરવા નથી માંગતા.