

કેન્દ્ર સરકાર (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) યોજના અંતર્ગત નાના ખેડૂતોના ખાતામાં આ જ મહિનાથી પૈસા જમા કરાવવાનું શરૂ કરી દેશે. આ યોજના અંતર્ગત બે હેક્ટર સુધી જમીન ધરાવતા નાના ખેડૂતોને વર્ષે રૂ. 6,000ની સહાય ચુકવવામાં આવશે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. 2,000 રૂપિયાનો પ્રથમ હત્યો માર્ચ મહિના સુધી મળી જશે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાશિ મેળવવા માટે આધાર નંબર હોવો જરૂરી છે. જોકે, પ્રથમ હપ્તા માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું નથી. પરંતુ બીજો અને ત્રીજો હપ્તો મેળવવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ માટે જો તમે આ લાભ લેવા માટે હકદાર બનો છો અને તમારી પાસે આધાર કાર્ડ નથી તો તેને તાત્કાલિક બનાવી લો.


આવી રીતે બનાવો આધાર કાર્ડ : આધાર કાર્ડની વેબસાઇટ પર તમને ફોર્મ મળી જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. વેબસાઇટ પર જવા માટે https://appointments.uidai.gov.in/ ટાઇપ કરો. આ વેબસાઇટ પર તમે કયા કયા વિસ્તારમાં આધાર સેન્ટર્સ છે તેની માહિતી મળી જશે. તેમજ આધાર માટે કેટલા દસ્તાવેજ જરૂરી છે તેની પણ માહિતી મળી જશે. જે બાદમાં તમારે જરૂરી દસ્તાવેજ સાથે આધાર સેન્ટરની મુલાકાત લેવાની રહેશે.


તમારું આધાર કાર્ડ બની ગયા બાદ ભારતીય પોસ્ટ તરફથી તમને મોકલી દેવામાં આવશે. જો તમને પોસ્ટ તરફથી આધાર કાર્ડ નથી મળતું તો તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરેલું આધારકાર્ડ પણ માન્ય ગણાશે.


આધાર કાર્ડ બનાવવા માટે તમે પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા તરફથી જાહેર કરવામાં આવેલું ઓળખપત્ર, હથિયારનું લાઇસન્સ, બેંક પાસબુક, ફોટો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ, પેન્શન ફોટો કાર્ડ, સ્વતંત્ર સેનાની ફોટો કાર્ડ, કિસાન ફોટો પાસબુક બતાવી શકો છો. આધાર કાર્ડ બનાવતી વખતે મોબાઇલ નંબરને આધાર સાથે જરૂરથી લીંક કરો. કારણ કે ભવિષ્યમાં જો તમે આધાર કાર્ડમાં ઓનલાઇન બદલાવ કરવા માંગશો તો તેના માટે મોબાઇલ નંબર જરૂરી છે.