

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે ટી-20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. ચંદ્રપોલે 76 બોલમાં 210 રન બનાવ્યા હતા. 44 વર્ષનો ચંદ્રપોલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે.


ચંદ્રપોલે એક ઘરેલું ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે સેન્ટ માર્ટિનમાં એડમ સેનફોર્ડ ક્રિકેટ4લાઇફ ટી-20 ટૂર્નામેન્ટમાં રમતા બેવડી સદી ફટકારી હતી. ચંદ્રપોલે અડધા કરતા વધારે ફોર અને સિક્સરથી બનાવ્યા હતા.


ચંદ્રપોલે 210 રનમાં 25 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. સ્થાનિક મીડિયાના મતે ચંદ્રપોલ ડ્વેન સ્મિથ સાથે ઇનિંગ્સની શરુઆત કરવા ઉતર્યો હતો. ચંદ્રપોલના સાથી બેટ્સમેન સ્મિથે 29 બોલમાં 8 ફોર અને 2 સિક્સરની મદદથી 54 રન બનાવ્યા હતા.


ચંદ્રપોલની ઇનિંગ્સની મદદથી તેની ટીમે 20 ઓવરમાં 303 રન બનાવ્યા હતા. તેની ટીમનો આ મેચમાં 192 રને વિજય થયો હતો. જોકે આ મેચને સત્તાવાર દરજ્જો ન હતો. આ કારણે ચંદ્રપોલની ઇનિંગ્સને રેકોર્ડ બુકમાં સ્થાન મળશે નહીં.