

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમાં રમાયેલી બીજી વન-ડે ટાઇ પડી હતી. ટીમ ઇન્ડિયાના 322 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝને અંતિમ ઓવરમાં જીત માટે 14 રન બનાવવાના હતા. સુકાની કોહલીએ ઉમેશ યાદવને બોલિંગ આપી હતી. ઉમેશે પ્રથમ પાંચ બોલમાં 9 રન આપ્યા હતા અને 1 વિકેટ પણ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડીઝને અંતિમ બોલે જીતવા માટે 5 અને ટાઇ માટે 4 રનની જરૂર હતી. અંતિમ બોલે શાઇ હોપે ફોર ફટકારી હતી અને મેચ ટાઇ કરાવી હતી.


હોપ 123 રન બનાવી અણનમ રહ્યો હતો. હોપની વન-ડેમાં બીજી સદી છે. રસપ્રદ વાત એ છે કે હોપે બંને સદી ફટકારી ત્યારે મેચ ટાઇ થઈ હતી. આ પહેલા 2016માં તેણે ઝિમ્બાબ્વે સામે બુલાવાયોમાં સદી ફટકારી હતી. તે સમયે પણ મેચ ટાઇ રહી હતી. તે ટાઇ મેચમાં બે સદી ફટકારનાર વર્લ્ડનો એકમાત્ર બેટ્સમેન છે.


સાથે હોપનો ટાઇ મેચમાં અણનમ રહેતા સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (123) છે. આ પહેલા પાકિસ્તાનના સઇદ અનવરના નામે હતો. અનવરે 1995માં ઝિમ્બાબ્વે સામે અણનમ 103 રનની ઇનિંગ્સ રમી હતી.


આ પહેલા ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 157 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ 73 રન બનાવ્યા હતા. કોહલીએ સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.