રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, રવી પાકને નુકસાન
ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભર શિયાળે વાવાઝોડા સાથે વરસાદ વરસવા લાગ્યો છે. જેને પગલે મોટાપાયે ખેતીને નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે, અને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો જોઈએ કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ સર્જાયો છે.


સૌપ્રથમ વાત કરીએ રાજકોટની તો, રાજકોટના ગોંડલ આસપાસના વિસ્તારમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગોંડલના પીપળીયા, ભરૂડી સહિતના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકામાં અચાનક વરસેલા વરસાદથી ખેતીના પાકને ભારે નુકશાન પહોંચ્યાની આસંકા છે. અહીં કપાસ, ડુંગળી, લસણ, ચણા અને ઘઉં જેવા ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ બાજુ કાલાવડ તાલુકાના પીપર ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. (રાજકોટ - હરિન માત્રાવાડીયા)


આ બાજુ કચ્છમાં પણ કમોસમી વરસાદે હાલ બેહાલ કર્યા છે. કચ્છના સરહદી વિસ્તારના લખપત, અબડાસા, માંડવી અને ખાવડામાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. લખપત તાલુકામાં ગત મધરાત્રીથી કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. (કચ્છ - મેહુલ સોલંકી)


તો અબડાસાના જખૌમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જખૌ બંદર અને અશીરા વાડ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજ રીતે માંડવીમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. માંડવી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે. તો ખાવડામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.


જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જીલ્લાના પોસાની પંથકમાં ઝરમર વરાસાદ તો બનાસકાંઠાના ડીસામાં પણ વરસાદ વરસ્યો છે. આ બાજુ પાટણ જીલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અીં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જિલ્લાના સાંતલપુર, વારાહી અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. (બનાસકાંઠા - આનંદ જયસ્વાલ, પાટણ - યશવંત પટેલ, સાબરકાંઠા - ઈશાન પરમાર)


ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શિયાળામાં વરસાદ પડતા શહેરીજનો ઠંડીથી ઠુંઠવાયા છે તો ખેડૂતોના માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જાકળ સાથે ગુલાબી ઠંડી પડતા રોજિંદા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.