

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સચિવાલયના ગેટ નંબર-1 પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા પીએસઆઈ વચ્ચે ઘર્ષણનો મામલો મહિલા આયોગ પાસે પહોંચ્યો છે. ગાંધીનગરની મહિલા પોલીસકર્મીએ આ અંગે મહિલા આયોગમાં વિરજી ઠુમ્મર વિરુદ્ધ રજુઆત કરી છે. આ અંગે મહિલાકર્મીએ આયોગમાં એક અરજી આપી છે. આ અરજી બાદ હવે મહિલા આયોગ વિરજી ઠુમ્મર સામે આ મામલે તપાસ કરશે.


શું બન્યું હતું? ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. વિધાનસભા સંકુલ બહાર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હતો.


વિરજી ઠુમ્મર, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યો વિધાનસભામાં પ્રવેશ માટે પહોંચ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવેશ માટે વિનંતી છતાં પોલીસે તેમને અંદર જતા અટકાવ્યા હતા. આ દરમિયાન વિરજી ઠુમ્મરને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.