

ન્યૂઝ 18 ગુજરાતી : તમે ટેક્સ બચાવવાનું આયોજન કરી રહ્યા હો તો તમારે 31 માર્ચ પહેલા આ અંગેની વિચારણા કરી લેવી પડશે. અમે આપને એવી ટેક્સ સેવિંગ્સ યોજના બતાવી રહ્યા છીએ જેમાં તમે ટેક્સ બચતની સાથે-સાથે તમારી દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકશો


દીકરીઓ માટે મોદી સરકાર એક ખાસ સ્કીમ લઈને આવી છે. આ યોજનાનું નામ છે : "સુકન્યા સમૃદ્ધિ યોજના". 1 જાન્યુઆરી, 2019થી આ યોજના અંતર્ગત તમને 8.5%ના દરથી વ્યાજ મળશે. આ સાથે "સુકન્યા સમૃદ્ધિ" યોજનામાં પૈસા જમા કરાવવાથી આવકવેરા અધિનિયમની કલમ-80સી હેઠળ 1.5 લાખ સુધીની કર રાહત પણ મળશે.


"સુકન્યા સમૃદ્ધિ યોજના" : કઈ રીતે ખોલાવશો ખાતું ? : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "બેટી બચાઓ, બેટી પઢાઓ" અંતર્ગત 'સુકન્યા સમૃદ્ધિ યોજના' તારીખ 4 ડિસેમ્બર, 2014થી અમલમાં લાવવામાં આવી હતી. આ નાની બચત યોજના છે, જે તમે તમારી દીકરીના નામે ખોલાવી શકો છો. આ પૂર્વે રૂ.1000 થી ખાતું ખોલાવી શકાતું હતું, જે હવે સરકારે ઘટાડીને રૂ.250 કર્યું છે. આ નવો નિયમ 6 જુલાઈ, 2018થી લાગુ થઇ ગયો છે


આ યોજનાનો ઉદેશ બાળકીના જન્મથી લઈને લગ્ન સુધી પરિવારને આર્થિક મજબૂતી આપવાનો છે. આ યોજનાથી બાળકીના જન્મદરમાં પણ પ્રોત્સાહન મળી શકશે. આ યોજના હેઠળનું ખાતું તમે નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ સરકાર માન્ય બેંકમાં ખોલાવી શકો છો. સામાન્ય રીતે જે બેંકોમાં 'પીપીએફ' નું ખાતું ખુલી શકે તે બેંકમાં આ યોજનાનું ખાતું પણ ખુલી શકે છે


ક્યા દસ્તાવેજો લઈને જશો ? : આ ખાતું ખોલાવવા માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' નું ફોર્મ, બાળકીનું જન્મ પ્રમાણપત્ર અને માતા-પિતાનું ઓળખપત્ર (પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ પૈકીનું કોઈપણ એક ) જરૂરી છે. ખાતું ઓપેરેટ કરવા માટે તમે નેટબેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. આ ખાતું ખુલી ગયા બાદ તમને બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ઉપરથી એક પાસબુક મળશે.


કોણ ખોલાવી શકે એકાઉન્ટ ? : તમે દીકરીના જન્મથી અથવા કાનૂની દૃષ્ટિએ માતા-પિતા હો. એક દીકરીના નામે એક જ ખાતું ખુલી શકે છે. વધુમાં વધુ આપ બે દીકરીઓ માટે અલગ-અલગ ખાતા ખોલાવી શકો છો. પરંતુ તો જે એક દીકરી હોય અને બીજી બે દીકરીઓ 'જુડવા' જન્મે તો તમે ત્રણ માટે ખાતું ખોલાવી શકો છો.


ક્યારે પૈસા કાઢી શકો ? : તમારી દીકરી 18 વર્ષની થાય તે પહેલા તમે આ પૈસા ખાતામાંથી કાઢી શકો નહિ. તે 21 વર્ષની થાય ત્યારે જ આ એકાઉન્ટની રકમ પાકે છે અથવા મેચ્યોર થાય છે. 18 વર્ષ પછી તમે 50% જેટલી રકમ કાઢી શકો છો. દુર્ભાગ્યવશ જો દીકરીનું મૃત્યુ થાય તો આ ખાતું તુરત બંધ થઇ જાય છે અને આ રકમ તેના માતા-પિતાને આપી દેવામાં આવે છે.