

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવે તેવી સંભાવના છે. રાજસ્થાન વિધાનસભામાં જીત પાછળ કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટનો મહત્વનો ફાળો રહ્યો છે. સચિન પાયલટને મુખ્યમંત્રીનો દાવેદાર પણ માનવામાં આવે છે. આ પ્રસંગે અમે સચિન પાચલોટની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ.


સચિન પાયલટે ઉમર અબ્દુલ્લાની બહેન સારાહ અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. સચિન પાયલટ અને સારાહ અબ્દુલ્લાની લવ સ્ટોરીની શરૂઆત લંડનમાં અભ્યાસ દરમિયાન એક ફેમિલી કાર્યક્રમમાં થઇ હતી. ત્યારથી જ આ બંનેની મિત્રતાની શરૂઆત થઇ હતી.


એક તરફ સચિન અભ્યાસ પૂર્ણ કરીને દિલ્હી આવી ગયા હતા, તો સારા લંડનમાં અભ્યાસ કરી રહી હતી. બંને ફોન પર લાંબી લાંબી વાતો કર્યા કરતા હતા. સચિન અને સારાએ ત્રણ વર્ષની ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં સારાહે જણાવ્યું કે, તેમના લગ્ન સરળ નહતા. બંને પરિવારો વચ્ચે હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો.


લગ્નમાં એક હિંદુ અને મુસ્લિમ પરિવારની વચ્ચે ધર્મની દીવાલ નડી ગઈ હતી. સારાહ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારુખ અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. આ લગ્નમાં અબ્દુલ્લા પરિવારના કોઇ પણ સભ્યો સામેલ થયા ન હતા. થોડાં મહિના બાદ સચિન-સારાના લગ્નનો વિરોધ કરનારા અબ્દુલ્લાએ બાદમાં તેઓને જમાઇ તરીકે સ્વીકારી લીધા હતા.


લગ્ન પહેલાં સચિને રાજનીતિમાં એન્ટ્રી વિશે વિચાર્યુ પણ ન હતું. પરંતુ પિતા રાજેશ પાયલટના મોત બાદ તેઓએ ભારતીય રાજનીતિમાં ઝંપલાવવું પડ્યું હતું. સારા સાથે લગ્નના થોડાં મહિના બાદ જ સચિને રાજનીતિના મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી હતી. સચિને માત્ર 26 વર્ષની ઉંમરે 2004ની લોકસભા ચૂંટણીમાં દૌસામાં મોટી જીત મેળવી હતી.