ઈશાન પરમાર, સાબરકાંઠા: ગુરૂવારથી સાબરકાંઠા જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જીલ્લાના અનેક ચેકડેમ, નદી- નાળાઓ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી આવતા જ અવર જવર બંધ થઈ જતા જ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર દ્રારા પણ લોકોને પાણીમાં ન જવાની સુચનાઓ અપાઈ રહી છે. પોશીનાની સેઈ અને પનારી નદી, વડાલીની ગૌવાઈ નદી, ખેડબ્રમ્હાની હરણાવ નદી અને હિંમતનગરની હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.
સાબરકાંઠા જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી આપી છે કે, હજુ પણ ધોધમાર વરસાદ પડી શકે છે, ત્યારે હિંમતનગરના હાથમતી વેસ્ટ વિઅરમાં પાણીની આવકમાં ધરખમ વધારો થતા કેનાલમાં 350 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેને લઈ તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ પણ અપાયુ છે કે કોઈએ કેનાલમાં પસાર થયુ નહી.
હિંમતનગરની વાત કરીએ તો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રેલ્વે અંડર પાસમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મોતીપુરા સી.એન.જી પંપ પાસે પાણી ભરાયા હતા. તો આસપાસના ગામડા હડિયોલ- ગઢોડાના ખેતરોમાં પણ પાણી ભરાવાને કારણે ખેડુતોને નુકશાન જોવા મળ્યુ છે. આ બાજુ હિંમતનગરની દેવધન સોસાયટીના રોડ પર મોટો ભુવો પડ્યો હતો. નોંધનીય છે કે, પાલિકાનો રોડકામના થયેલો ભ્રષ્ટાચાર છતો થયો હોય એમ લાગી રહ્યુ છે તો ભુવો પુરવા માટે આવેલી પાલિકાની ગાડી પણ ભુવામાં ઘરકાવ થઈ હતી અને સોસાયટીના રહિશોમાં પાલુકાની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો હતો.