સાબરકાંઠા: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે મોડી રાતે સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજના ગામોમાં રાત્રે માવઠું થયું હતું. તેજ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાત્રે હિંમતનગર સહિતના ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. બીજી બાજુ, ભાવનગર અને અમરેલીમાં પણ માવઠું થયું હતું.
સાથે જ અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ પંથકોમાં માવઠું થયું હતું. વંડા, ફાસરીયા, આકોડા, છાપરી, ડેડકડી, ભોકરવા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ પડતા ચણા, ઘઉં અને બાગાયત પાકને નુકશાન થવાની ખેડૂતોને ભીતિ છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ-ચાર દિવસ પણ આવો જ માહોલ રહેવાની સંભાવના છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે.