ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા મરનાર યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવક યુવતીને તેના લગ્ન બાદ પણ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. આ ઘટનાની જાણ યુવતીએ તેના પતિને કરી દેતા યુવતીને પતિએ તેના ફોઈના દીકરા અને અન્ય એક યુવક સાથે મળી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.
દરમિયાન એલસીબીના પીએસઆઈ મુરીમા અને તેમની ટીમે પીઆઈ ચંપાવત, એસપી મંડલીક અને રેંજ આઈજી ચુડાસમાની સૂચનાના અન્વયે બાતમીદારો મારફતે તપાસ કરાવતા મૃતક જીતેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર સાગપુર તલોદનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. જેમાં પીએસઆઈ રાવ તથા એલસીબીની ટીમના એએસઆઈ નાથા ભાઈ રજુસિંહ તથા હેકો અમરતભાઈ તથા હેકો ધર્મેન્દ્રસિંહ, કલ્પેશ કુમાર, પોકો નિરીલ કુમાર, હર્ષ કુમાર, વિરેન્દ્રકુમાર, જશુભાઈ અને ગોપાલ ભાઈની ટીમ આ કેસ ઉકેલવા કામે લાગી હતી.
દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવકનું મરણ પાણીમાં ડુબવાથી નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. દરમિયાન મૃતક જીતેન્દ્રસિંહને પ્રાંતિજના કિશનસિંહની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન કિશનસિંહની પત્નીએ પૂર્વ પ્રેમીની કરતૂતો અંગે પતિને જાણ કરતા કિશનસિંહે પત્નીને મળવાના બહાને જીતેન્દ્રસિંહને બોલાવ્યો હતો.