મયૂર માંકડિયા, બાયડ : કોંગ્રેસ છોડી અલ્પેશ ઠાકોરની આંગળી પકડી ભાજપમાં આવનાર બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભગવાનની શરણે ગયા છે. પોતાના મત વિસ્તાર બાયડમાં પૂર્વ ધારાસભ્યે બ્રહ્મભોજન કરાવી બ્રહ્મણોને પિતાબંરનું દાન આપ્યું હતું. તો બાયડનાં ગણપતિ યુવક મંડળ સાથે મળી ગણેશ સ્થાપના પણ કરી છે. હાલ સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે ધવલસિંહ ઝાલાને પેટા ચૂંટમીમાં ટિકિટ ન મળવાનો ડર સતાવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની સાત બેઠકો પર પેટા ચૂંટણી ટૂંક સમયમાં હવે જાહેર થશે. ત્યારે કોંગ્રેસનો હાથ છોડી અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાને પેટા ચૂંટણીમાં ટિકિટ નહિં મળવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપના આંતરિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાર્ટી આ બેઠક પર પેટા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનાં દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણી લડાવી શકે છે.
ચર્ચાઇ રહ્યું છે કે તે જ ડરનાં કારણે હાલ બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભગવાનનાં શરણોમાં ગયા છે. બાયડમાં ધવલસિંહ ઝાલાએ 2 સપ્ટેમ્બરના રોજ બ્રહ્મ ભોજન અને બ્રહ્મણોને પિતાંબરનું દાન કર્યું હતું. આ કાર્યક્રમા ગુજરાત બ્રહ્મસમાજનાં પ્રમુખ યજ્ઞેશ દવ પણ હાજર રહ્યાં હતાં. તો સાથે જ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના બાયડ અને ગણપતિ યુવક મંડળ બાયડ સાથે મળી ગણેશ ચતુર્થીનાં દિવસે ગણપતિની પણ સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી.
જ્યારે આ મામલે ધવલસિંહ ઝાલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે "હું દર વર્ષે શ્રાવણ માસ પૂર્ણ થતાં કોઈ ધાર્મિક કામ કરતો હોવ છું. આ વર્ષે મેં મારા મત વિસ્તાર બાયડમાં બ્રહ્મભોજન અને પિતાંબરનું દાન આપી થોડું પુણ્ય કમાયું છે. જ્યારે ગણેશ સ્થાપન અને બ્લડ ડોનેશન કેમ્પ વિધાનસભાનાં કાર્યકરોએ યોજ્યો હતો. તેમાં પણ હાજરી આપવી ખૂબ જરૂરી હતી. જ્યાં સુધી વિધાનસભાની પેટાચૂંટણીની ટિકિટની વાત છે. તે પાર્ટીનો અબાધિત અધિકાર છે. પાર્ટી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતી હોય છે. પાર્ટી જે નિર્ણય કરશે તે માન્ય છે."