ઈશાન પરમાર, સાબરકાંઠા : રાજ્ય સરકાર સિંચાઈના પાણી માટે ગમે તેટલા મોટા દાવા કરે છે પણ પરિસ્થિતિ આજે એવી છે કે, ખેડૂતોએ સિંચાઈનાં પાણી માટે પેટ્રોલ છાંટવું પડે છે, અને આવું જ કૈક થયું છે હિમતનગર તાલુકાના વકતાપુર ગામમાં. જ્યાં સિચાઈ વિભાગના અધિકારીઓની મનમાનીને લઈને ખેડૂતે પોતાના પર જ ડીઝલ છાંટવું પડ્યું.
દિવાળી પહેલા સિંચાઈ વિભાગે રવિ સીઝન માટે જોરશોરથી પાણી છોડવાની જાહેરાતો કરેલી. જોકે, પાણી છોડ્યા બાદ પણ આજે હિમતનગર તાલુકાના વકતાપુર ગામના ખેડૂતે આત્મા હત્યા કરવાનો પ્રયાસ કર્યો. સિંચાઈ વિભાગે પાણી તો છોડ્યું પણ આગ્રહ રાખ્યો કે, ખેડૂતો રાત્રી સમય દરમિયાન જ ખેતરમાં પાણી જવા દે. ત્યારે આના ચેકિંગમાં નીકળેલા અધિકારીઓએ જ્યારે આજે મનમાની કરી ત્યારે વક્તાપુરના ખેડૂતે ત્રાસીને ડીઝલનો કેરબો પોતાની ઉપર જ ઊંધો વાળી દીધો.
હાલમાં તો અંતે ગભરાયેલા સિંચાઈના અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં જ ખેડૂત સાથે સમાધાન કરી લીધું છે. પણ આ ઘટનાથી એટલું તો વિચારવું જ જોઈએ કે, ખેડૂતોને કેટલો ત્રાસ હશે ત્યારે તેણે આત્મ હત્યાના પ્રયાસ જેવો માર્ગ અપનાવ્યો હશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને પગલે અનેક ખેડૂતોનો ઉભો પાક બળી ગયો હતો, જેને પગલે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેને પગલે કેટલાક ખેડૂતોએ આર્થિક પરિસ્થિતિ કથળતા આત્મહત્યા કરી લીધી હતી.