

મુંબઈ : રોહિત શર્માએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે તેને દુનિયા હિટમેનના નામથી કેમ પોકારે છે. રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી ટી-20માં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર ખેરી પિયરના બોલ પર સિક્સર ફટકારી 400 આંતરરાષ્ટ્રીય સિક્સરો પુરી કરી હતી.


રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સર ફટકારનાર ભારતનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. રોહિત શર્મા પહેલા વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઈલ અને પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.


રોહિત શર્માએ સૌથી ઝડપી 400 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે. 400 સિક્સર માટે રોહિત શર્મા 360 ઇનિંગ્સ રમ્યો હતો. જ્યારે આફ્રિદીએ 437 અને ગેઈલે 486 ઇનિંગ્સમાં 400 સિક્સર પુરી કરી હતી.


રસપ્રદ વાત છે કે રોહિત શર્મા પોતાની 100 સિક્સરો પુરી કરવા માટે 166 ઇનિંગ્સ રમ્યો હતો. જોકે આ પછી તેણે 76 ઇનિંગ્સમાં 200 સિક્સરો ફટકારી હતી. 300થી 400 સિક્સરો સુધી પહોંચવામાં તે ફક્ત 56 ઇનિંગ્સ રમ્યો છે.