

ન્યૂઝ18 ગુજરાતી : ભાજપમાં રહીને પક્ષની જ ટીકા કરવા બદલ રેશ્મા પટેલ આજકાલ ખૂબ ચર્ચામાં રહી છે. રેશ્મા પટેલ આજકાલ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા નજરે પડે છે. શુક્રવારે તેણે પોતાના ફેસબુક પેજ પર ચાર તસવીર શેર કરી છે. ફોટોની સાથે રેશ્માએ એવો સંદેશ પણ લખ્યો છે કે પ્રજા હવે જાગી ગઈ છે. રેશ્માએ આ તસવીર અને સંદેશ ગુજરાતની બીજેપી સરકાર માટે મૂક્યો છે.


રેસ્ટોરન્ટની તસવીર કરી શેર : રેશ્મા પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, "હું ગુજરાતની ઐતિહાસિક ધરોહર એવા ગીરનારની ગોદમાં તેમજ મારા વતન જૂનાગઢની એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. અહીં ખાવાની દરેક આઇટમ એક સ્ટિકર પર સંદેશ લખીને પીરસવામાં આવે છે. અમારા થાળીમાં બે મેસેજ આવ્યા હતા, જેમાંથી એક મેસેજ ખૂબ જ ચોંકાવનારો હતો."


'વિકાસ ગાંડો થયો' : રેશ્માએ આગળ લખ્યું છે કે, "એ સંદેશ હતો 'વિકાસ ગાંડો થયો'. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હું ભારતીય પાર્ટી સાથે જોડાયેલી હોવાથી ગંભીરતાથી આ વાત કહેવા માંગુ છું કે સરકારને શીખ આપતો આ સંદેશ એવું કહેવા માંગે છે કે લોકો જાગી ગયા છે. લોકો સરકારમાં પોતાના હકને ઓળખી ગઈ છે, સરકાર સાથે કોઈ વેર નહીં, ભ્રષ્ટ શાસકોની કોઈ ખેર નહીં, હવે બદલશે આપણો દેશે, જય હો. જય હિંદ." (ફાઇલ તસવીર)


સરકાર સામે પડ્યા રેશ્મા પટેલ : ડિસેમ્બરમાં આવેલા પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો પર ભાજપના કાર્યકર રેશ્મા પટેલ ખુલ્લીને સરકાર સામે પડ્યા છે. પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)માંથી એક વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ચૂંટણીમાં ભાજપને મળેલી ધોબી પછાટ બાદ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, આત્મવિશ્વાસની નહીં પરંતુ આ અહંકારની હાર છે. ત્રણ રાજ્યમાં હાર થતાં જ રેશ્મા પટેલે કટાક્ષ કરતું ટ્વિટ પોતાની જ સરકાર વિરુદ્ધ કર્યું હતું. રેશ્મા પટેલે ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે જનતાના એક એક આંસુ હુકુમત(સરકાર) માટે ખતરા સમાન છે. રેશ્મા પટેલે એવું પણ કહ્યું કે ભાજપના ટોચના બે નેતાઓ અહંકારમાં રાચી રહ્યા છે. (ફાઇલ તસવીર)