

આર્થિક સુસ્તી અને ઈક્વિટી બજારનું ખરાબ પ્રદર્શન હોવા છતા દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા સળંગ મોટી કમાણી કરી રહ્યા છે. રાકેશ અને રેખા ઝુનઝુનવાલાએ માત્ર ચાર દિવસમાં જ 483.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, બંનેના પોર્ટફોલિયોમાં ટાઈટન કંપનીના શેર હતા, જેણે જબરદસ્ત રિટર્ન આપ્યું છે.


રાકેશ અને રેખા ઝુનઝુનવાલા પાસે ટાઈટન કંપનીના કુલ 6998.12 કરોડ રૂપિયાના શેર છે. ટાઈટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાના ભાગીદારી 5.75 ટકા સાથે 5.10 કરોડ શેરની છે. જ્યારે તેમની પત્ની રેખા પાસે આ કંપનીમાં 1.30 ટકાની ભાગીદારી સાથે કુલ 1.15 કરોડ શેર છે.


17 વર્ષ પહેલા 3 રૂપિયાના ભાવથી ખરીદ્યા હતા ટાઈટનના શેર. તમને જણાવી દઈએ કે, એપ્રિલ-જૂન ત્રિમાસીક ખતમ થયા બાદ રાકેશ ઝુનઝુનવાલાને ટાઈટનના શેરથી કુલ 394.74 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ દરમિયાન તેમની પત્ની રેખાએ પણ ટાઈટનના શેરથી લગભગ 89.01 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાકેશ ઝુનઝુનવાલાએ નામાકીય વર્ષ 2002-03માં ટાઈટન કંપનીના 6 કરોડ શેર ખરીદ્યા હતા. તે દરમિયાન ટાઈટનના એક શેરની કિંમત માત્ર 3 રૂપિયા હતા, જોકે હવે વધી 1000 રૂપિયા પ્રતિ શેરથી પણ વધારે થઈ ગઈ છે.


શુક્રવાર બપોરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ટાઈટનના શેર 2.76 ટકાના વધારા સાથે 1,117 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બિઝનેસ કરતા જોવા મળ્યા. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ કંપનીના શેરમાં 2.75 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.


આખરે કેમ ટાઈટનના શેરમાં આટલી તેજી છે - ગત 4 સપ્ટેમ્બરે ટાઈટન શેર 1037.5 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ટ્રેડ કરી રહ્યા હતા. પરંતુ, ત્યારબાદથી કંપનીના શેર 80 પોઈન્ટ સુધી વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગત 5 સપ્ટેમ્બરે રેટિંગ એજન્સી ઈકરાએ ટાઈટનના કોમર્શિયલ પેપર પ્રોગ્રામને પોઝેટિવ રેટિંગ આપી હતી. ઈકરાએ ટાઈટનના 900 કરોડ રૂપિયાના કોમર્શિયલ પેપર માટે A1+ રેટિંગ આપ્યું હતું. સાથે જ, 1700 કરોડના ફંડ અને નોન ફંડ બેસ્ડને પણ AA+ (પોઝેટિવ) અને A1+ (આઉટસ્ટેન્ડિંગ) રેટિંગ આપ્યું હતું. એટલું જ નહી, ઈકરાએ કંપનીના 1500 કરોડ રૂપિયાના ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોગ્રામને પણ આઉટસ્ટેન્ડિંગ રેટિંગ આપ્યું. ટાઈટન કંપનીની લિક્વિડિટીને જોતા ઈકરાએ પોઝિટિવ રેટિંગ આપ્યું હતું.