મસાલા માર્કેટમાં દર વર્ષ જેટલી રોનક હવે રહી નથી.જેના કારણે માર્કેટ ખાલીખમ દેખાઈ રહી છે.જેની પાછળ મસાલાના ભાવમાં ધરખમ વધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. મરચું, હળદર અને ધાણાજીરૂની ગૃહિણીઓ મસાલા માર્કેટમાંથી ખરીદી કરીને આખા વર્ષ માટે દળાવતી હોય છે. તમામ જાતના મરચાના ભાવ આ વર્ષે ડબલ થઈ ગયા છે. કમોસમી વરસાદ અને ભેજ વાળા વાતાવરણના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન ઓછું થયું છે. જેને લઇને તમામ પ્રકારના મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે.
મરચાની સાથે સાથે જીરૂ અને હળદરના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે જીરાનું ઉત્પાદન ઓછું થયું છે જેને લઇને જીરાના ભાવ આસમાને છે. ગત વર્ષે જીરૂ 250થી લઈને 330 રૂપિયા કિલો મળતું હતું. જે આ વર્ષે 350થી લઈને 450 રૂપિયે કિલો મળી રહ્યું છે. તો હળદરના ભાવમાં પણ 20% જેટલો ભાવ વધારો છે.